Saturday, August 8, 2015

વર્તમાનમાં જૈન ધર્મ પ્રમાણે નૈતિક અને દયામય જીવન જીવવાની સરળ સમજ


વર્તમાનમાં જૈન ધર્મ પ્રમાણે નૈતિક અને દયામય જીવન જીવવાની સરળ સમજ
લેખકઃ- પ્રવિણ કે. શાહ
ચેરમેન, જૈના એજ્યુકેશન કમિટી, અમેરિકા
અનુવાદકઃ- જૈન વિજ્ઞાની પ. પૂ. આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ. સા.

૧.  જૈન ધર્મના નીતિ-નિયમો અને જીવદયા:
૨.  મનુષ્ય જીવન નિર્વાહ માટેની ઓછામાં ઓછી હિંસાની જૈન વ્યાખ્યા:
૩.  માતૃત્વનો કુદરતી વૈશ્વિક નિયમ:
૪.  ભૂતકાળમાં દૂધને અહિંસક ખોરાક માનવાના કારણો:
૫.  વર્તમાનકાલીન દૂધની પેદાશની સમજણ:
૬.  ડેરી અને માંસ ઉદ્યોગની હિંસા અને વાતાવરણ ઉપર થતી અસર:
૭.  થર્મોકોલ (સ્ટાયરોફોમ) અને પ્લાસ્ટિકની વાતાવરણ ઉપર થતી અસર:
૮.  ઉપસંહાર:

૧.  જૈન ધર્મના નીતિ-નિયમો અને જીવદયા:

શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ઉપદેશના મુખ્ય હેતુ
·         અહિંસા અર્થાત્ જીવદયા એ પ્રત્યેક જીવની જિંદગી પ્રત્યેનું  એક પ્રકારનું બહુમાન સન્માન છે.
·         અપરિગ્રહ બિનજરૂરી ચીજોનો ત્યાગ અથવા પોતાની પાસે રહેલ ચીજો પ્રત્યેની અનાસક્તિ એ અન્ય જીવો તથા કુદરત અને પર્યાવરણ પ્રત્યેનું બહુમાન છે.
·         અનેકાન્તવાદ (સ્યાદ્વાદ અથવા અનાગ્રહીપણું) એ અન્ય વ્યક્તિઓના દૃષ્ટિકોણનો સ્વીકાર છે કારણ કે સત્ય હંમેશા સાપેક્ષ હોય છે માટે તે બહુ-આયામી હોય છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ નીચે પ્રમાણે કેટલાક મહત્ત્વના વિધાન કર્યા છે, જે શાશ્વત છે.
·         દરેક જીવ પરસ્પર એક બીજા ઉપર અનુગ્રહ-ઉપકાર કરનાર છે અને તે રીતે તેઓ એકબીજા સાથે જોડાયેલ છે. અને આ તત્ત્વાર્થ સૂત્ર નામના પ્રાચીન શાસ્ત્રમાં परस्परोपग्रहो जीवानाम् સૂત્ર સ્વરૂપે નિર્દિષ્ટ છે.
·         જે વ્યક્તિ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી કે તેના પ્રત્યે આત્મવત્ ભાવ રાખતો નથી તે પોતાના જ અસ્તિત્વના અસ્વીકાર સ્વરૂપ છે (આચારંગ સૂત્ર).
·         આપણે આપણા લોભ અને મૂર્ચ્છા / આસક્તિના કારણે જ આપણે બીજા જીવોને હેરાન કરીએ છીએ કે તેમની હિંસા કરીએ છીએ (શ્રાવકાચાર).
પ્રત્યેક જીવ એક બીજા સાથે સંબંધ ધરાવે છે માટે આપણને પ્રતીતિ થવી જોઈએ કે
જો આપણે કોઈ એક જીવને દુઃખી કરીશું કે નુકશાન પહોંચાડીશું તો આપણે બધા જ જીવોને દુઃખી કરીએ છીએ કે નુકશાન કરીએ છીએ.
વળી લોભ, પરિગ્રહ અને આસક્તિ એ બધા જ પ્રકારની હિંસાનું મૂળ છે તથા પર્યાવરણને અસમતોલ બનાવનાર છે.
આ પ્રાચીન શાસ્ત્રીય વિધાનો આધુનિક ઈકોલોજી અર્થાત્ વૈશ્વિક સામંજસ્યના વિજ્ઞાનનો પાયો છે અને તેના વચનોને આધુનિક રીતે તાજા કરી આપે છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીનું સમગ્ર જીવન દયામય અને કરુણામય હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ તેઓ 30 વર્ષ સુધી પાદવિહાર કરી પૃથ્વી પર પરિભ્રમણ કર્યું અને સામાન્ય મનુષ્યને સાચી કરૂણાનો સંદેશ આપ્યો. તેઓએ સમગ્ર જીવન સંપૂર્ણપણે કુદરતની સાથે સંવાદપૂર્વક એટલે કે અનુકુળ રહીને પસાર કર્યું અને પર્યાવરણની સમતુલા જાળવી રાખી.
તેમણે ઉપદેશમાં જણાવ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જે આપણા પર્યાવરણના મૂળભૂત પાંચ તત્ત્વો ધરાવે છે તે વાસ્તવમાં સજીવ છે. તેઓને માત્ર એક જ ઈન્દ્રિય – સ્પર્શનેન્દ્રિય અર્થાત્ ત્વચા છે.
ચાર પગ ધરાવનાર પ્રાણીઓ અને બીજા કેટલાક જળચર, ખેચર અર્થાત્ પક્ષીઓ, સર્પ તથા નોળિયા, ગરોળી વગેરે તથા મનુષ્યો પાંચ ઈન્દ્રિય અને મન અર્થાત્ મગજ ધરાવે છે. પાંચ ઈન્દ્રિય આ પ્રમાણે છે:
૧. સ્પર્શન અર્થાત્ ચામડી, ૨. રસના અર્થાત્ જીભ, ૩. ઘ્રાણેન્દ્રિય અર્થાત્ નાક, ૪. ચક્ષુ અર્થાત્ આંખ અને ૫. શ્રોત્રેન્દ્રિય અર્થાત્ કાન.
મનુષ્યને વધારામાં અન્ય પ્રાણીઓ કરતાં વિશિષ્ટ વિકસિત મન મળ્યું છે, જે વિશેષ પ્રકારે વિચાર કરી શકે છે તે કુદરતના આશીર્વાદ છે. તે કારણે જ મનુષ્યની એ જવાબદારી થઈ જાય છે કે તેને અન્ય જીવો સાથે અને પર્યાવરણ સાથે કરુણામય જીવન અને શિષ્ટ આચરણ અને વર્તન દ્વારા એકાત્મતા અને સંવાદિતા સાધવી જોઇએ.

.  મનુષ્ય જીવન નિર્વાહ માટેની ઓછામાં ઓછી હિંસાની જૈન વ્યાખ્યા:

સંપૂર્ણ અહિંસા અને સંપૂર્ણ અપરિગ્રહ સાથે જીવન જીવવું મનુષ્ય માટે શક્ય નથી. મનુષ્યને જીવવા માટે આહાર કરવો આવશ્યક છે અને તે વનસ્પતિજન્ય આહાર કરે છે જે જૈન દર્શન અનુસાર ખરેખર સજીવ છે. એ સિવાય મનુષ્યને પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે મકાન પણ આવશ્યક છે. એ કારણથી મનુષ્ય જીવન ટકાવવા માટે કેટલાક જીવોની હિંસા અને ન્યૂનતમ અર્થાત્ મર્યાદિત પરિગ્રહ પણ જરૂરી છે.
જૈન દર્શનનું એ ધ્યેય છે કે ન્યૂનતમ હિંસા અને અન્ય જીવોને તથા પર્યાવરણને ન્યૂનતમ નુકશાન થાય તે રીતે મનુષ્યે જીવન જીવવું.
જૈન દર્શન નામના ગ્રંથમાં મુનિશ્રી ન્યાયવિજયજીએ જીવન ટકાવી રાખવા માટે આવશ્યક ન્યૂનતમ હિંસાની સ્પષ્ટ વ્યાખ્યા બતાવી માર્ગદર્શન આપેલ છે અને આ માર્ગદર્શન માત્ર શ્રાવક અને શ્રાવિકા વર્ગ માટે જ છે. જ્યારે સાધુ સાધ્વીએ સંપૂર્ણપણે અહિંસા અને અપરિગ્રહનું પાલન કરવું જોઈએ.
ન્યૂનતમ હિંસાની જૈન વ્યાખ્યા:
·         જૈન દર્શન માને છે કે હિંસાની તરતમતા હિંસાનો ભોગ બનનાર જીવના જ્ઞાન ગુણના વિકાસ સાથે છે પણ તે જીવોની સંખ્યા ઉપર નથી. અને જીવના જ્ઞાન ગુણનો વિકાસ તેની ઈન્દ્રિયોના વિકાસના આધારે છે. અર્થાત્ વધુ ઈન્દ્રિયવાળા જીવોનો જ્ઞાન ગુણ ઓછા ઈન્દ્રિયવાળા જીવોના જ્ઞાન ગુણ કરતાં ઘણો જ વધારે વિકસિત હોય છે તેથી તે જીવોની હિંસાથી ઘણુ જ વધુ પાપ લાગે છે અને ઓછી ઈન્દ્રિયવાળા જીવોની હિંસાથી ઓછું પાપ લાગે છે.
·         મનુષ્ય પંચેન્દ્રિય છે અને તેનું મગજ પણ ઘણું વિકસિત છે માટે આપણું જીવન ટકાવવા માટે જો બીજા મનુષ્યને સતાવવામાં, તેની હત્યા કરવામાં કે તેનું શોષણ કરવામાં, તેને ગુલામ બનાવવામાં કે બાળક પાસે મજૂરી કરાવવામાં આવે તો સૌથી વધારે પાપ લાગે છે અને તે ભયંકર હિંસા છે.
·         ગાય, ભેંસ, ઘોડા, બળદ, કુતરા, બિલાડી વગેરે પ્રાણીઓ પંચેન્દ્રિય છે પરંતુ તેઓનું મગજ મનુષ્ય કરતાં ઓછુ વિકસિત હોવાથી આપણું જીવન ટકાવવા માટે, તેની હત્યા કરવામાં કે તેનું શોષણ કરવામાં, તેને ગુલામ બનાવવામાં કે તેની પાસે મજૂરી કરાવવામાં આવે તો મનુષ્ય કરતાં ઓછું પાપ લાગે છે પણ બીજા ઓછી ઈન્દ્રિયવાળા જીવોની હિંસા કરતાં અત્યંત ઘણું વધારે પાપ લાગે છે
·         તે જ રીતે આપણું જીવન ટકાવવા માટે ચાર ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા જીવોની હત્યા કરવામાં કે તેનું શોષણ કરવામાં ઉત્તરોત્તર ઓછું પાપ લાગે છે.
·         માનવ જીવન માત્ર એકેન્દ્રિય જીવો (શાકભાજી, ફળો, હવા, પાણી, પૃથ્વી, અગ્નિ વગેરે)ના ઉપયોગથી અર્થાત્ તેની હિંસાથી ટકાવી શકાય તેમ છે માટે જૈન દર્શનમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની (ત્રસ જીવોની) હિંસા કરવાનો સદંતર નિષેધ ઉપરના નિયમ પ્રમાણે કરેલ છે.
ટૂકમાં એમ કહી શકાય કે જીવન ટકાવવા માટે જો આપણે એક જ પંચેન્દ્રિય જીવની હત્યા કરીએ તો તેનું પાપ લાખો અને કરોડો એકેન્દ્રિય જીવોની હત્યાની સરખામણીમાં અત્યંત ઘણુ જ વધી જાય છે. આ જૈન દર્શનની ન્યૂનતમ હિંસાની વ્યાખ્યા છે.
તેથી જૈન દર્શન ચુસ્ત શાકાહારની હિમાયત કરે છે અને આહાર માટે પ્રાણીઓનું સંવર્ધન કરવાનો કે તેઓને પીડા કે દુ:ખ આપવાનો નૈતિક, આધ્યાત્મિક અને સાથે સાથે પર્યાવરણના કારણસર નિષેધ કરે છે.
આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાથી પર્યાવરણની સમતુલા ભયંકર હદે ખોરવાઈ જાય છે.
મુનિશ્રી ન્યાયવિજયજીના આ અંગેના મૂળ ગુજરાતી લેખ અને તેના હિન્દી તથા અંગ્રેજી અનુવાદ વાંચવા માટે અમારી વેબસાઈટની નીચેની લિંક ઉપર ક્લિક કરો.
ગુજરાતી લેખ - http://www.jainlibrary.org/book.php?file=2000278
હિન્દી લેખ - http://www.jainlibrary.org/book.php?file=200027
અંગ્રેજી લેખ - http://www.jainlibrary.org/book.php?file=200029

૩.  માતૃત્વનો કુદરતી વૈશ્વિક નિયમ:

નીચે જણાવેલ માતૃત્વનો કુદરતી વૈશ્વિક નિયમ પ્રત્યેક માનવીય માતા તથા પ્રત્યેક પશુની માતા માટે એક સરખો જ મહત્ત્વપૂર્ણ અને સત્ય છે. તેમાં કોઈ જ વિકલ્પ નથી.
·         માતા ચાહે તે માનવીય માતા હોય કે ગાય, ભેંસ વગેરે કોઈપણ પશુની માતા હોય તે હંમેશા પોતાના બાળક કે વાછરડા માટે જ અને બાળક કે વાછરડાના જન્મ બાદ જ દૂધ પેદા કરે છે. તેની પહેલા કોઇ સ્ત્રી કે ગાય દૂધ પેદા ન કરી શકે.
·         કુદરતી નિયમ અનુસાર જે રીતે માનવીય માતા પોતાના બાળક પૂરતું જ દૂધ પેદા કરે છે તે રીતે ગાય, ભેંસ વગેરે પ્રાણી પોતાના વાછરડા માટે જરૂરી હોય તેટલું જ દૂધ પેદા કરે છે.
·         જે પ્રમાણે માનવીય માતા, બાળક જ્યારે અમુક ઉંમરનું થાય ત્યાર પછી ધીમે ધીમે દૂધ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે તેમ ગાય પણ વાછરડું જ્યારે અમુક ઉંમરનુ થાય ત્યારે ધીમે ધીમે દૂધ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે.
આમ કુદરતી નિયમ પ્રમાણે ગાય કે ભેંસને પોતાના વાછરડા માટે આવશ્યક દૂધ કરતાં વધુ દૂધ પેદા કરવાની કોઈ વ્યવસ્થા કુદરતે કરી નથી.
અપવાદ:
1.       ગાય માતાના દૂધ ઉપર જ નભવાની વાછરડાની ઉંમર સુધીમાં,  જો ગાય કે ભેંસ માંદી પડે તો તે વાછરડા માટે જરૂરી દૂધ કરતાં ઓછું દૂધ પેદા કરે છે. આવા સંજોગોમાં વાછરડાના યોગ્ય વિકાસ માટે અન્ય પ્રકારના વૈકલ્પિક દૂધની કે દૂધની બનાવટોની જરૂર ઊભી થાય છે.
2.       સ્તનપાનની ઉંમર દરમ્યાન કદાચ જો વાછરડું બિમાર પડે તો જ તે વાછરડું ઓછુ દૂધ પીએ છે. આવા સંજોગોમાં;
તે ગાય કે ભેંસના આંચળમાંથી જે વધારાનું દૂધ હોય છે તે દૂધને આપણે દોહી લેવું જરૂરી છે.  જો તેમ ન કરીએ તો ગાયને થશે કે હવે તેનું વાછરડું ઓછું દૂધ પીએ છે એટલે તે બીજે દિવસે ઓછું દૂધ પેદા કરે છે. ત્યારપછી જ્યારે તેનું વાછરડું પુનઃ સ્વસ્થ થાય ત્યારે તેને પૂરતું દૂધ મળે નહિ. માટે વાછરડાને સ્વસ્થ થયા બાદ પૂરતું દૂધ મળી રહે તે માટે આમ કરવું જરૂરી છે.
આથી આપણે એમ ચોકક્સ કહી શકીએ કે આપણે
જે દૂધ અને દૂધની બનાવટોમાં જે દૂધ ઉપયોગમાં લેવાય છે તે બધુ જ દૂધ કુદરતી નિયમ અનુસાર ગાયના વાછરડા માટે પેદા કરેલ છે. તે દૂધને બળજબરીથી ગાય પાસેથી પડાવી લેવાય છે અને તેને જૈન સિદ્ધાંત અનુસાર જીવઅદત્ત, મહા ચોરી, અને મહા હિંસા કહેવાય છે.
કેટલાક લોકો તેમજ પ્રાચીન પરંપરાના આગ્રહી વડીલો કે ધર્મગુરુઓ કહે છે કે આપણે જે દૂધ દોહી લઈએ છીએ તે વાછરડાના પીધા પછી ગાયનું વધારાનું હોય છે, એ વાત કુદરતના નિયમ અનુસાર તદ્દન અસત્ય છે અને કહેનાર વ્યક્તિને તેનું સહેજ પણ જ્ઞાન કે અનુભવ નથી.

.  ભૂતકાળમાં દૂધને અહિંસક ખોરાક માનવાના કારણો:

મોટા ભાગના જૈનો શાકાહારી છે અને બધા જૈનો શાકાહારમાં માને છે. દૂધ એ શાકાહારી ખોરાક નથી આમ છતાં મોટાભાગના જૈન દૂધ અને તેની પેદાશનો (દૂધ, ઘી, દહીં, પનીર વગેરેનો) આહારમાં ઉપયોગ કરે છે કારણ કે દૂધ દોહવાની પ્રક્રિયામાં ગાય કે ભેંસની સીધેસીધી હત્યા થતી નથી. વળી પ્રાચીન જૈન સાહિત્યમાં બતાવવામાં આવ્યું છે કે પ્રાચીન કાળના મહાપુરુષોએ તથા ભગવાન મહાવીરસ્વામી સહિત ઘણા તીર્થંકર ભગવંતોએ પણ દૂધ દહીં નો આહારમાં ઉપયોગ કર્યો હતો.
આ કારણથી મોટા ભાગના જૈન એમ માને છે કે દૂધની વસ્તુઓ વાપરવાથી જૈન દર્શનના પાયાના સિદ્ધાંત સ્વરૂપ અહિંસા, અચૌર્ય, અને અદત્તાદાનવિરમણ વ્રતનો ભંગ થતો નથી. તેઓ પોતાના અજ્ઞાનના કારણે માતૃત્વના કુદરતી વૈશ્વિક નિયમનો સહેજ પણ વિચાર કરતાં નથી અને નજરઅંદાજ કરે છે.
ભારતીય પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિના ઘણા જ અધ્યયન તથા સંશોધન પછી ભૂતકાળમાં દૂધની અને તેની પેદાશના ઉપયોગના કારણો અંગે આપણે નીચે પ્રમાણેના નિષ્કર્ષ તારવી શકીએ છીએ.
·         પ્રાચીન કાળમાં ખેતીનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નહોતો. વસ્તીના પ્રમાણે, ભારતમાં પૂરતા પ્રમાણમાં ધાન્ય પેદા થતું નહોતું. (૬૫ વર્ષ પહેલાં પણ PL480 કાર્યક્રમ હેઠળ ભારત અમેરિકાથી ધાન્ય અને બીજી કેટલીક આહાર સંબંધી ચીજોની આયાત કરતું હતું અને સામાન્ય લોકોમાં રેશન પદ્ધતિથી તેનું વેચાણ કરતું હતું. મેં પણ ભૂતકાળમાં આ પ્રમાણે રેશનીંગની લાઈનમાં ઊભા રહીને અનાજ ખરીદેલું છે.)
·         એટલે આટલી મોટી સંખ્યામાં મનુષ્ય જીવન ટકાવવા માટે ગાયનું દૂધ વૈકલ્પિક આહાર તરીકે જ ઉપયોગમાં લોવાતું હતું. ગાયના વાછરડા સ્વરૂપ બળદનો ખેતીમાં હળમાં કે ગાડા વગેરેમાં ભારવહન કરવામાં ઉપયોગ થતો હતો. ગાયના સુકા છાણાનો રસોઈમાં બળતણ તરીકે કે ખાતર તરીકે પણ ઉપયોગ થતો હતો. ગોમૂત્રનો ઔષધ તરીકે પણ ઉપયોગ થતો હતો. આથી ગાયના દૂધનો અને તેની અન્ય પેદાશોનો ભારતની વિપુલ વસ્તીના જીવનને ટકાવી રાખવા ઉપયોગ કરવો જરૂરી હતો અને તે સિવાય પ્રાચીન કાળમાં બીજો કોઇ ઉપાય ન હતો. ભગવાન મહાવીરના વખતમાં આનંદ શ્રાવક હજારોની સંખ્યામાં ગાયો રાખતા હતા.
·         ગાયો રાખવાનું મુખ્ય કારણ બળદને પેદા કરવાનું હતું જેથી ખેતી થઈ શકે અને વાહન વ્યવહાર ચાલી શકે.  ભારત ખેતી પ્રધાન દેશ હતો. દૂધને વેચવામાં આવતું ન હતું.  આ ઉપરાંત તેના છાણનો અને ગોમૂત્રનો પણ ઉપયોગ કરતાં હતા જે જીવન નિર્વાહ માટે અત્યંત જરૂરી હતું.
·         લોકો ગાયના દૂધનો બહુ જ અલ્પ પ્રમાણમાં આહારમાં ઉપયોગ કરતા હતા.  તેઓ તેના વાછરડાને જ મોટા ભાગનું દૂધ પીવા દેતા હતા. ગાયને પોતાના કુટુંબના સભ્ય તરીકે તેની સાચવણી અને સેવા ચાકરી કરતા હતા. વાછરડાના જન્મ પછી લગભગ ૧૫ દિવસ સુધી તે ગાયના દૂધનો પોતે બિલ્કુલ ઉપયોગ કરતા નહોતા પરંતુ તેનું બધું જ દૂધ માત્ર તેના વાછરડાને જ આપતા હતા. આ રીતે બહુ જ અલ્પમાત્રામાં હિંસાનો આશરો લઈ ગાયની અને વાછરડાની સંપૂર્ણ કાળજી લેતા હતા.
મારા દાદી (૬૫ વર્ષ પહેલાં) ગાયના ત્રણ આંચળનું દૂધ તેના વાછરડા માટે ઉપયોગમાં લેતા અને અમારા પરિવાર માટે ફક્ત એક જ આંચળનું દૂધ ઉપયોગમાં લેતા હતાં. જો કે મારા દાદી કાંઈ ભણ્યા નહોતાં પરંતુ માતૃત્વના મૂળભૂત વૈશ્વિક નિયમને તેઓ સારી રીતે સમજતા હતાં.

.  વર્તમાનકાલીન દૂધની પેદાશની સમજણ:

આજે સમગ્ર વિશ્વમાં ખેતીમાં એટલું બધું ધાન્ય પાકે છે કે તેનાથી સમગ્ર વિશ્વના માનવોને ઘણીવાર પોષી શકાય તેમ છે. ખેતીમાં બળદોના સ્થાને ટ્રેક્ટર અને મશીન આવી ગયાં. ગોમૂત્રનું સ્થાન આધુનિક દવાઓએ લીધું છે. ગાયના છાણનું સ્થાન કુદરતી ગેસ અને વિજળીએ લીધું છે. ખેતીના વિષયમાં ભારત સંપૂર્ણપણે સ્વનિર્ભર થઈ ગયું છે. તેથી હવે જીવન ટકાવવા માટે દૂધ અને તેની પેદાશોનો ઉપયોગ કરવાની કે ગાયોને ઉછેરવાની કે તેને પીડા આપવાની અર્થાત્ હેરાન કરવાની કોઈ જરૂર નથી.
વર્તમાન ડેરી ઉદ્યોગ:
રેફ્રિજેટરની શોધ પછી અને નવી પેકેજિંગ ટેકનોલોજીના કારણે અત્યારે દૂધની ચીજ-વસ્તુની માંગ ખૂબ જ વધી ગઈ છે. તે માંગને પહોંચી વળવા ડેરી ઉદ્યોગનું વ્યાપારીકરણ થયું છે. ડેરી ઉદ્યોગમાં ગાયોને દૂધ પેદા કરવાના એક મશીન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે ગાયોને અત્યંત દુઃખ પહોંચે છે. વધુમાં વધુ નફો મેળવવાના લોભમાં ગાય વગેરે પ્રાણીઓની સંખ્યા ઘણી જ વધારવામાં આવે છે.
ગાય-ભેંસની સંખ્યા વધવાના કારણે તેના માટેના ખોરાકની વ્યવસ્થા કરવામાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ જાય છે કારણ કે તેના માટે કુદરતી સ્રોતોનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વનસ્પતિજન્ય ખોરાકનો પણ સમાવેશ થાય છે.  આ ડેરી ઉદ્યોગ દ્વારા આચરવામાં આવતી પ્રાણીઓ પ્રત્યેની ક્રુરતા અને પર્યાવરણની અસમતુલા કલ્પનાતીત હદે ખતરનાક હોય છે. અને તે હિંસાના કેટલાક ઉદાહરણ નીચે આપવામાં આવ્યા છે.
આ પ્રશ્નો વિશાળ પાયા ઉપર આયોજિત ડેરી ઉદ્યોગમાં તો છે જ પરંતુ સાથે સાથે ભારતમાં અને અન્ય દેશોમાં નાના પાયા ઉપર ચાલતા ડેરી ઉદ્યોગમાં પણ સમાનરૂપે છે. અમેરિકામાં ચાલતા વિશાળ ડેરી ફાર્મ અને ભારતમાં ચાલતા નાના ડેરી ફાર્મની મેં પ્રત્યક્ષ મુલાકાતો લીધી છે અને તેમાં તેનું સંચાલન કઈ રીતે થાય છે તે નજરે જોયું છે. તે નીચે પ્રમાણે છે.
·         ગાય-ભેંસ પાસેથી સતત દૂધ મેળવવા માટે ગાય-ભેંસને સતત સગર્ભા રાખવામાં આવે છે. તે માટે તેને કૃત્રિમ રીતે ગર્ભાધાન કરાવવામાં આવે છે. જેથી કરીને તે સૌથી વધુ પ્રમાણમાં દૂધ આપી શકે. આ કૃત્રિમ ગર્ભાધાન તેની પ્રસૂતિ બાદ ત્રીજા જ મહિને કરાવવામાં આવે છે. સામાન્ય રીતે કુદરતી સંજોગોમાં ગાય-ભેંસ તેના વાછરડા તેનું સ્તનપાન કરતાં બંધ થાય ત્યાર બાદ જ (૧૫ મહિના પછી) ગર્ભાધાન કરતાં હોય છે.
·         લગભગ ૯૫ ટકા વાછરડા અને ૬૫ ટકા વાછરડી જન્મતાંની સાથે જ માંસ ઉત્પાદક કતલખાને વેચી દેવામાં આવે છે. જ્યાં તેઓની 6 મહિનામાં કે ત્રણ વર્ષમાં કતલ કરવામાં આવે છે. કેટલીકવાર વાછરડાને ખેડુતો ભૂખે મારી નાખે છે. આવું મેં આપણા પવિત્ર તીર્થધામ પાલીતાણામાં નજરે જોયું છે.
·         સામાન્ય રીતે ગાયનું આયુષ્ય ૨0 વર્ષનું હોય છે પરંતુ ડેરી ઉદ્યોગમાં દૂધ આપતી ગાય, જ્યારે તે 30 ટકાથી ઓછું દૂધ આપતી થાય પછી અર્થાત્ પાંચ વર્ષની ઉંમર પછી કતલખાને વેચી દેવામાં આવે છે. આ બાબત ભારતમાં પણ ૯૫ ટકા સાચી છે.
·         ડેરી ઉદ્યોગમાં ગાય-ભેંસને દૂધની માત્રા વધારવા માટે ઓક્સિટોસીન જેવા હોર્મોન્સના અને એન્ટિબાયોટિક્સના દરરોજ ઈન્જેક્શન આપવામાં આવે છે. ફક્ત ઓર્ગેનિક ડેરી ફાર્મ હોય તો તેમાં આપવામાં આવતા નથી. ભારતમાં લગભગ નાની મોટી બધી જ ડેરીવાળા હોર્મોન્સ અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરે છે.
ગાયને સતત ગર્ભિણી રાખવાથી અને હોર્મોન્સ અને એન્ટિબાયોટિક્સ આપવાના કારણે તે સામાન્ય સંજોગોમાં જેટલું દૂધ આપતી હોય તેના કરતાં ત્રણથી છ ગણું વધુ દૂધ આપે છે. આ રીતે ડેરીવાળા દૂધ અને દૂધની બનાવટોની માંગને ગાય-ભેસની સંખ્યામાં ઘણો જ વધારો ના થાય તેમ પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે.
એક જ દિવસમાં ઘણા વધુ પ્રમાણમાં દૂધ પેદા કરવા માટે ગાયના શરીરને સખત પરિશ્રમ કરવો પડે છે. ફક્ત પાંચ જ વર્ષમાં લગભગ ત્રણ જ પ્રસૂતિમાં આ પ્રકારની ભયંકર તાણના કારણે તેનું શરીર તૂટી જાય છે અને નોંધપાત્ર રીતે દૂધની ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે. આ સંજોગોમાં પશ્ચિમના દેશોમાં કાયદેસર તેને કતલખાને વેચી દેવામાં આવે છે અને ભારતમાં ગેરકાયદેસર તેને કતલખાને ધકેલી દેવામાં આવે છે. અને ભારતમાં આવા ગેરકાયદેસર ચાલતા કતલખાના ઠેર ઠેર છે. અમદાવાદ અને અન્યત્ર આ પ્રકારના કતલખાનાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. ભારતમાં 0.૧% ટકાથી પણ ઓછી ગાયોને પાંજરાપોળોમાં આજીવન નીભાવવામાં આવે છે.
ઓર્ગેનિક ડેરી ફાર્મ:
ઓર્ગેનિક ડેરી ફાર્મ સામાન્ય રીતે અન્ય મહાકાય ડેરી ફાર્મ કરતાં નાના હોય છે. તેઓ એન્ટિબાયોટિક્સ, પેસ્ટિસાઈડ્સ અને હોર્મોન્સનો ઉપયોગ કરતા નથી. તેઓ દૂધમાં બીજી કોઈજાતની ભેળસેળ કરતા નથી. આમ છતાં તેઓ ગાય-ભેંસને સતત ગર્ભિણી તો રાખે જ છે. અને તેમના ૮0 ટકાથી વધારે વાછરડા કતલખાને જતા જ હોય છે. અને વસુકી ગયેલી પાંચ-છ વર્ષની ગાયો પણ કતલખાને વેચાઈ જતી હોય છે. માટે ઓર્ગેનિક કહેવાતું દૂધ પણ અન્ય ડેરીના દૂધ જેમ જ ક્રુરતાવાળું હોય છે.

.  ડેરી અને માંસ ઉદ્યોગની હિંસા અને વાતાવરણ ઉપર થતી અસર:

નીચે જણાવેલ માહિતી દ્વારા જણાશે કે ડેરી અને કતલખાનાની પર્યાવરણ ઉપર અને ક્રુરતાનું પ્રમાણ કેવું છે?  આ માહિતી અમેરિકાની અધિકૃત USDA અને અન્ય સ્રોતો દ્વારા પ્રાપ્ત કરી છે.
કતલખાના દ્વારા પર્યાવરણમાં છોડવામાં આવતો નકામો કચરો:
નીચે જણાવેલ કોષ્ટકમાં અમેરિકન સરકારે જાહેર કરેલ આંકડા છે. – અમેરિકામાં ૨૦૦૮ ના વર્ષમાં કતલ કરવામાં આવેલ સંખ્યા
પ્રાણીઓ
૨૦૦૮ ના વર્ષમાં કરવામાં આવેલ કુલ કતલ સંખ્યા
૨૦૦૮ ના વર્ષમાં પ્રતિદિન કરવામાં આવેલ કતલ સંખ્યા
ગાય
35,507,500
97,281
ડુક્કર
116,558,900
319,339
મરઘી (મોટી)
9,075,261,000
24,863,729
મરઘી (નાની)
69,683,000
190,912
બ્રોઈલર મરઘી
9,000578,000
24,672,816
ટર્કી મરઘી
271,245,000
743,137

ફક્ત અમેરિકામાં જ દરરોજ ૪00,000 (૪ લાખ) ગાય અને ડુક્કર તથા ૫,00,00,000 (૫ કરોડ) મરઘી અને ટર્કીની કતલ થાય છે અને તેના પરિણામે અમેરિકાના માંસ ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ દ્વારા 230,000 પાઉન્ડ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતો કચરો પર્યાવરણને દૂષિત કરે છે અને તે જમીન, હવા અને પાણીને પણ દૂષિત કરે છે.
ગ્રીન હાઉસ અસર:
સમગ્ર વિશ્વમાં ૧૩૦ કરોડ ગાય (૧.૩ બીલીયન)  દર વર્ષે ૧00 મિલિયન ટન મિથેન ગેસ પેદા કરે છે, જે ગ્રીનહાઉસ અસર માટે ખૂબ જ શક્તિશાળી વાયુ છે અને તે કાર્બન ડાયોક્સાઈડ વાયુ કરતાં ૨૫ ઘણી વધારે સૂર્યની ગરમીને રોકે છે.
પાણીનો બગાડ:
ફક્ત અમેરિકામાં ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ માટે રાખેલ પશુઓ જેવા કે ગાય, વાછરડા, ઘેટાં વગેરે સમગ્ર વિશ્વનો ૫૦% ટકા પાણીનો વપરાશ કરે છે. ફક્ત ૧ રતલ માંસ પેદા કરવા માટે લગભગ ૨૫૦૦ ગેલન પાણી વપરાય છે. જ્યારે ફક્ત એક રતલ ઘઉં, ચોખા વગેરે પેદા કરવા માટે સરેરાશ ૫૦ થી ૨૫૦ ગેલન પાણી વપરાય છે.
જમીનનો બગાડ:
ઉત્તર અમેરિકાની જમીનનો એક તૃતીયાંશ ભાગ ધાન્ય ઉગાડવા માટે વપરાય છે. અને તેમાંથી અડધો ભાગ જમીન ફક્ત ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ માટે પશુઓને ખવડાવવા માટેના ધાન્ય પેદા કરવામાં વપરાય છે. અમેરિકામાં આ માટે ૨૨ કરોડ એકર જમીન, જ્યારે બ્રાઝિલમાં ૨૫૦ લાખ એકર જમીન ફાળવવામાં આવી છે. મધ્ય અમેરિકામાં ૫૦ ટકા જંગલનો પશુપાલન ધાન્ય માટે નાશ કરવામાં આવ્યો છે.
આરોગ્ય ઉપરની અસર:
છેલ્લા ૨૫થી ૫૦ વર્ષનો આરોગ્ય વિષયક અભ્યાસ દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચતર વર્ગમાં મૃત્યુના કારણ સ્વરૂપ રોગોનું કારણ માંસાહાર અને દૂધ અને તેની પેદાશનો ઉપયોગ છે. હૃદય રોગ, ડાયાબિટીસ, કોલન (colon) કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને ફેક્ચરનું પણ કારણ માંસાહાર અને ડેરીની ખાદ્ય વસ્તુઓ છે.
ફક્ત માંસ જ નહિ પણ ડેરીના ખાદ્ય પદાર્થોમાં પણ ચરબી અને કોલેસ્ટેરોલનું ઘણું પ્રમાણ હોય છે, જેના કારણે હાર્ટ એટેક અને ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે. ડેરીના ખાદ્ય પદાર્થોના કારણે પ્રોસ્ટેટ કેન્સર અને ટાઈપ-૧ ડાયાબિટીસ પણ થાય છે.
કેટલાક આરોગ્ય સંબંધી અભ્યાસમાં જણાયું છે કે હાડકાના ફેક્ચર પણ દૂધ અને તેની પેદાશોના ઉપયોગથી વધે છે જ્યારે જાહેરાતોમાં બતાવવામાં આવે છે કે દૂધમાં કેલ્શિયમ હોવાના કારણે હાડકા મજબૂત બને છે. જે તદ્દન અસત્ય અને ખોટું છે.

૭.  થર્મોકોલ (સ્ટાયરોફોમ) અને પ્લાસ્ટિકની વાતાવરણ ઉપર થતી અસર:

થર્મોકોલની વાતાવરણ ઉપર થતી અસર:
થર્મોકોલ હવે લોકોના રોજિંદા ઉપયોગમાં આવતી ચીજ સ્વરૂપે સર્વસ્વીકૃત બની ગઈ છે પરંતુ લોકોને મોટે ભાગે ખબર નથી કે તે પોલીસ્ટિરિનમાંથી બને છે કે જે પેટ્રોલિયમમાંથી બનતું એક પ્રકારનું પ્લાસ્ટિક છે.
તે હળવું હોવાના કારણે તથા ગરમીનું અવાહક હોવાથી તે ગરમ ચીજને ગરમ અને ઠંડી ચીજને ઠંડી રાખે છે અને વસ્તુને એક સ્થાનથી બીજે સ્થાને ખસેડવી હોય ત્યારે વસ્તુને સલામત રાખે અર્થાત્ તૂટવાની સંભાવના રહેતી નથી માટે તે લોકોમાં પ્રિય બની ગયું છે. આમ આ પદાર્થના સારા ગુણો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જણાયું છે કે તે પણ નુકશાનકારક છે.
પર્યાવરણનું સંરક્ષણ કરતી સંસ્થા (EPA – Environmental Protection Agency) અને કેન્સર ઉપર સંશોધન કરતી આંતરરાષ્ટ્રિય સંસ્થાએ સ્થાપિત કર્યું છે કે થર્મોકોલ દ્વારા માણસમાં કેન્સર થવાની શક્યતા છે.
જ્યારે થર્મોકોલના ડબ્બામાં ખોરાક રાખવામાં આવે છે ત્યારે તે ખોરાકમાં તેના રસાયણો ભળી જાય છે જેની આપણી તંદુરસ્તી ઉપર અને પ્રજનન શક્તિ ઉપર અસર થાય છે.
થર્મોકોલનું કુદરતી રીતે માટી વગેરેમાં તેનું વિઘટન થતું નથી અર્થાત્ તે નોન-બાયોડિગ્રેડેબલ છે અર્થાત્ જમીન, પાણી વગેરેમાં રહેલ બેક્ટેરિયા દ્વારા તેનો નાશ થતો નથી. તે એમ જ રહે છે. તે ફોટોલિસીસની પ્રક્રિયાનું અવરોધક છે.
તેમાંથી પુનઃ નવું થર્મોકોલ બનાવી શકાય છે પરંતુ તેની કિંમત નવા થર્મોકોલના જેટલી જ થતી હોવાથી મોટા ભાગે કોઈ તેમ કરતું નથી.
પ્લાસ્ટિકની વાતાવરણ ઉપર થતી અસર:
આજે આપણે પ્લાસ્ટિક યુગમાં જીવીએ છીએ. પ્લાસ્ટિકની થેલી, બોક્સ, બાટલી વગેરે વસ્તુ ભંગાર ખાતે કાઢી નાખવામાં આવે છે અને તે જંગલ, નદી, સમુદ્ર, ઉકરડામાં નાખી દેવામાં આવે છે. તેમાંની કેટલીકને રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવામાં આવે છે. પ્લાસ્ટિકનો વપરાશ વધ્યો હોવાથી અને અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હોવાથી તેને રિસાયકલ કરવા માટેનો પ્રયત્ન અસરકારક કે પરિણામકારક નથી.
પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી પરંતુ ફોટોડિગ્રેડેબલ છે.  ફોટોડિગ્રેડેબલ એટલે કે સૂર્યના પ્રકાશમાં લાંબો સમય સુધી રહે તો તેનું સૂક્ષ્મ રજકણોમાં રૂપાંતર થઈ જાય છે પરંતુ પ્લાસ્ટિકનો મોટાભાગે સંપૂર્ણપણે નાશ થઈ શકતો નથી. પ્લાસ્ટિકનું સૂક્ષ્મ રજકણો રૂપે અસ્તિત્વ કાયમ રહે જ છે. આ રજકણો અન્ય પદાર્થોમાં સહેલાઈથી ભળી જાય છે અને સતત તેમાંથી ઝેરી પદાર્થો ઉત્સર્જિત થતા રહે છે. તેના દ્વારા જમીન, હવા અને પાણી પ્રદૂષિત થતું રહે છે. આ પ્લાસ્ટિકના રજકણો આહાર અને પાણીમાં ભળવાથી પશુ-પ્રાણીઓને બહુ નુકશાન પહોંચાડે છે.
પ્લાસ્ટિકને રિસાઈકલ કરવા માટે ઘણી ગરમી અને વિજળી જોઈએ છે.
પ્લાસ્ટિક સામુદ્રી જીવો માટે પણ ખતરનાક છે. સમુદ્રમાં એક ચોરસ માઈલે ૪૬,000 પ્લાસ્ટિકના ટૂકડા તરતા હોય છે. તે કારણથી લાખો સામુદ્રી જીવો, વ્હેલ માછલીઓ, સીલ માછલીઓ, ડોલ્ફિન અને દરિયાઈ કાચબા પ્લાસ્ટિક કચરાના કારણે મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે સમુદ્રની ઇકો સિસ્ટિમને અને તે દ્વારા પર્યાવરણની સમતુલાને ખોરવે છે.
એકલા અમેરિકામાં જ ૩.૩૧ અબજ બેરલના પેટ્રોલિયમમાંથી પ્લાસ્ટિક બને છે. પેટ્રોલિયમ પેદાશો પર્યાવરણને પ્રદૂષિત કરવામાં મહત્તમ ભાગ ભજવે છે અને તે પાણી અને હવાને પણ પ્રદૂષિત કરે છે.

૮.  ઉપસંહાર:

જૈન જીવન પદ્ધતિ ખૂબ જ નૈતિક અને કરૂણામય છે. તે પૃથ્વી અને પર્યાવરણ માટે પણ બહુમાન તથા આદર ધરાવે છે.
આપણા શાસ્ત્રો દૃઢતા અને કડકપણે સૂચન કરે છે કે આપણે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને અનુરૂપ નૈતિક, કરૂણામય અને પર્યાવરણને કોઈ નુકશાન ન થાય તે રીતે જ જીવન જીવવું જોઈએ.
મહર્ષિ સંતસેવી મહારાજ તેમના પુસ્તક સર્વધર્મ સમન્વય” (www.jaineLibrary.org) Sr # 007668)  નામના પુસ્તકમાં શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના ઉપદેશનો સાર ભગવાન મહાવીરસ્વામીના જ શબ્દોમાં બહુ સુંદર રીતે આપ્યો છે. તે નીચે પ્રમાણે છેઃ
હું જે કહું તે તમારે તમારી રીતે તેની પરીક્ષા કરી અને તમારા પોતાના અનુભવ દ્વારા ખાતરી કરી સ્વીકારવું.
હું જે કહું તેને જ્યાં સુધી તર્ક દ્વારા તેના લિટમસ ટેસ્ટમાં તે પાસ ન થાય ત્યાં સુધી માત્ર આંધળી શ્રદ્ધાથી એટલે કે આંખો મીંચીને સ્વીકારી લેવું નહિ. અન્યથા તે તમારું પોતાનું બનશે નહિ.
પવિત્ર શાસ્ત્રોના આધારે હું જે શીખવું તેનો જો તમે મેં દર્શાવેલા કારણોથી અથવા મારા અપૂર્વ પ્રભાવના કારણે સ્વીકાર કરશો પરંતુ તમારા પોતાના પરીક્ષણ, કારણો અને અનુભવથી નહિ સ્વીકારો તો તે તમારામાં અજ્ઞાન અંધકાર પેદા કરશે પરંતુ જ્ઞાનનો પ્રકાશ પેદા નહિ કરે.
ભગવાન મહાવીરસ્વામી
માંસ મેળવતી વખતે ગાયને તાત્કાલિક ઝડપથી મારી નાંખવામાં આવે છે. જ્યારે વ્યાપારી ધોરણે દૂધ ઉત્પાદન કરતી વખતે ગાયોને સખત રિબાવવામાં આવે છે અને બળજબરીથી પાંચ જ વર્ષમાં ૩થી ૬ ગણું દૂધ પેદા કરવામાં આવે છે અને ત્યાર પછી તેને પાંચ વર્ષની ઉંમરમાં જ તેને કતલખાને ધકેલી દેવામાં આવે છે. જ્યારે તેનું આયુષ્ય લગભગ ૨૦ વર્ષ હોય છે. આ બતાવે છે કે દૂધ-ઉત્પાદનમાં પણ માંસ ઉત્પાદન જેટલી જ ખતરનાક ક્રુરતા ગાય-ભેંસ પ્રત્યે આચરવામાં આવે છે.
પર્યાવરણની દૃષ્ટિએ વનસ્પતિજન્ય પદાર્થો કરતાં દૂધ, ચામડું, રેશમ, ઊન વગેરે પ્રાણીજન્ય પદાર્થો પર્યાવરણને ઘણું જ નુકશાનકારક છે. વનસ્પતિજન્ય પદાર્થ જેટલી જલ્દીથી કુદરતમાં વિસર્જિત થાય છે તેના કરતાં પ્રાણીજન્ય પદાર્થને કુદરતમાં વિસર્જન થતા ૭ થી ૧૦ ગણી વાર લાગે છે.
શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયવાળા દૂધ અને દૂધમાંથી બનેલ ઘી, મીઠાઈ વગેરેનો વાર-તહેવારે દેરાસરોમાં ઉપયોગ કરે છે અને તે પ્રાચીન પરંપરા છે. આમ છતાં આપણા જ ધર્મગ્રંથો દર્શાવે છે કે કોઈપણ પ્રાચીન પરંપરાને આંખો મીંચીને અનુસરવી ન જોઈએ. જૈન ધર્મના શ્રેષ્ઠ સિદ્ધાંત સ્વરૂપ અહિંસાના ભોગે અને તેમાંય આજના સંજોગોમાં જેમાં પંચેન્દ્રિય જીવોની હત્યા, રિબામણી અને શોષણ થતું હોય તેવી પરંપરાની સાથે સમાધાન ન કરવું જોઈએ. અર્થાત્ દૂધ કે દૂધજન્ય પદાર્થોનો દેરાસરમાં અને જૈન તહેવારમાં ઉપયોગ ન જ થવો જોઈએ.
દૂધ અને ઘી વગેરેનું જૈન ધાર્મિક વિધિમાં વિશિષ્ટ મહત્ત્વ છે જ. આમ છતાં આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ તેનો સ્રોત અહિંસક હોવો જોઈએ.
કોઈપણ ધાર્મિક વિધિ કે રીતરિવાજનું યંત્રવત્ અનુકરણ કરવું એ કાંઈ ધર્મ નથી એમ ભગવાન મહાવીરસ્વામિનું કહેવું છે.  આપણા રીતરિવાજનો હેતુ એ છે કે તે અધ્યાત્મમાં આપણને પ્રેરણા કરતો હોય, આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક હોય. કોઈપણ રીતરિવાજનું સીધું પરિણામ આપણા ક્રોધ, અભિમાન, માયા અને લોભ, પરિગ્રહના ક્ષયમાં અથવા કષાયોને પાતળા કરવામાં આવવું જોઈએ.
વર્તમાનમાં દૂધ અને દૂધજન્ય ડેરી પદાર્થો, પ્લાસ્ટિક, થર્મોકોલ, રેશમ અને ઊન કે જેના ઉત્પાદનમાં એટલી બધી ક્રુરતા આચરવામાં આવે છે કે તે ક્યારેય આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક થઈ શકે તેમ નથી. આપણે પ્રભુની પૂજા, આરતીમાં ઉપયોગમાં લેવામાં આવતા દૂધ, ઘી અને મીઠાઈ અંગેના રિવાજનું આજના સંજોગોને ધ્યાનમાં રાખીને પુનર્મૂલ્યાંકન કરવું જરૂરી છે.
આ કારણથી આપણે આપણા રીતરિવાજમાં દૂધના બદલે શુદ્ધ પાણી કે સોયાદૂધ કે બદામનું દૂધ, ઘીના બદલે શુદ્ધ વેજીટેબલ તેલનો દીવામાં ઉપયોગ કરવો જોઈએ. વિવિધ મીઠાઈ માટે સુકા મેવાનો કે સિંગદાણા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આપણા રોજિંદા ખોરાકમાં અને ધાર્મિક તહેવારોના જમણમાં સ્વસ્થ આહાર તરીકે શુદ્ધ વનસ્પતિજન્ય (વિગન) આહારનો ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર અમેરિકામાં મોટા થયેલા બધા જ જૈન યુવાનો (યંગ જૈન એસોસિએશન અને યંગ જૈન પ્રોફેસ્નલ) સ્વીકારે છે કે ડેરી ઉદ્યોગમાં ગાયો ઉપર ભયંકર ક્રુરતા આચરવામાં આવે છે અને ભયંકર અત્યાચાર કરવામાં આવે છે માટે ધાર્મિક તહેવારોમાં જમણવારમાં દૂધ કે ડેરી પેદાશનો ઉપયોગ કરવો તે સ્પષ્ટ રીતે જૈન ધર્મના મૂળ પાયાના સિદ્ધાંત અહિંસા, અચૌર્ય, અદત્તાદાનવિરમણ તથા કરૂણાનો ભંગ કરનાર છે. જો આપણે ઉપર બતાવેલ રીતરિવાજોમાં પરિવર્તન કરીશું તો આપણા યુવાનો પણ તેને સારી રીતે અનુસરશે અને આપણી કદર કરશે.
ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ કહે છે કે અમેરિકાની કુલ વસ્તીના ૨% ટકા અર્થાત્ ૬૦ લાખ અમેરિકનો માત્ર નૈતિકતાના ધોરણસર વિગન છે. અમેરિકામાં જન્મેલા/મોટા થયેલા ૧૦% થી ૧૫% ટકા જૈન યુવાનો ચુસ્ત શાકાહારી અર્થાત્ વિગન છે.  જ્યારે અમેરિકાના પુખ્ત વયના ઈમીગ્રંટ જૈન વ્યક્તિઓ માત્ર 0.૫% ટકા વિગન છે.  આ બતાવે છે કે જૈન વિદ્વાનો અને પુખ્તવયના જૈનો કરતાં અમેરિકાના જૈન યુવાનો વધુ સમજદાર, જાણકાર અને આધ્યાત્મિક છે અને ડેરી ઉદ્યોગમાં આચરવામાં આવતી ક્રુરતા પ્રત્યે સભાન અને ગંભીર છે.
ટૂંકમાં, આપણે ચોક્કસ કહી શકીએ કે સમગ્ર વિશ્વમાં ૯૮% ટકા કરતાં વધુ દૂધ-ઉત્પાદનમાં ગાય-ભેંસને ભયંકર રીતે રિબાવવામાં કે દુઃખી કરવામાં આવે છે અને ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં તેની દૂધ-ઉત્પાદનની ક્ષમતા ઓછી થતાં કે વસુકી જતાં તેને કતલખાને ધકેલી દેવામાં આવે છે.
મહેરબાની કરી માતૃત્વના કુદરતી નિયમ ઉપર વિચાર કરશો અને તમારા પોતાના માટે દૂધ અને ડેરીની અન્ય ચીજોનો ઉપયોગ કરવો કે નહિ તે નક્કી કરશો.

મારા આ લેખના કારણે જે લોકોની લાગણી દુભાઈ હોય તો તેઓની માફી માગું છે.
મિચ્છા મિ દુક્કડમ્
પ્રવિણ કે. શાહ
001-919-859-4994 અમેરિકા


આચાર્ય શ્રીવિજય નંદિઘોષસૂરિજી વિશે
પ. પૂ. આચાર્ય શ્રીવિજય નંદિઘોષસૂરિજી પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજી મ.ના સમુદાયના પ. પૂ. આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય છે. તેઓ આગમશાસ્ત્રોના જ્ઞાતા તો છે જ પરંતુ સાથે સાથે આધુનિક વિજ્ઞાન અને ગણિતના પણ પ્રકાંડ વિદ્વાન છે. તેઓએ આહાર વિજ્ઞાન અંગે અદ્યતન માઈક્રોસ્કોપ દ્વારા પ્રયોગો કરાવી કંદમૂલ અને બહારના ખાદ્ય પદાર્થમાં રહેલ સૂક્ષ્મ જીવોની સાબિતી આપે છે અને અસંખ્ય લોકોને તેનાથી બચાવે છે. તેઓએ ધર્મ અને વિજ્ઞાન અંગે સંશોધનાત્મક પુસ્તકો લખ્યા છે. તેઓ અવારનવાર જૈન ધર્મ અને વિજ્ઞાન અંગે સેમિનાર કરે છે. જૈન-અજૈન સમાજમાં તેઓ એક વિજ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે.

आचार्य श्रीविजय नंदिघोषसूरिजी विशे
प. पू. आचार्य श्रीविजय नंदिघोषसूरिजी प. पू. शासनसम्राट आचार्य श्रीविजयनेमिसूरिजी म.ना समुदायना प. पू. आचार्य श्रीविजयसूर्योदयसूरिजी म.ना शिष्य छे. तेओ आगमशास्त्रोना ज्ञाता तो छे ज परंतु साथे साथे आधुनिक विज्ञान अने गणितना पण प्रकांड विद्वान छे. तेओए आहार विज्ञान अंगे अद्यतन माईक्रोस्कोप द्वारा प्रयोगो करावी कंदमूल अने बहारना खाद्य पदार्थमां रहेल सूक्ष्म जीवोनी साबिती आपे छे अने असंख्य लोकोने तेनाथी बचावे छे. तेओए धर्म अने विज्ञान अंगे संशोधनात्मक पुस्तको लख्या छे. तेओ अवारनवार जैन धर्म अने विज्ञान अंगे सेमिनार करे छे. जैन-अजैन समाजमां तेओ एक विज्ञानी तरीके प्रसिद्ध छे.